Sunday, May 9, 2021

Happy Mother's Day! - મા તે મા બીજા બધા વગડાના વા !

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’મમ્મા’ છે!

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! મા એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ?

જ્યારે એક રોટલી ના ચાર ટુકડા હોય અને ખાવાવાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભુખ નથિ એ "મા" 

માતા એ માતા જ છે, માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની  માતાના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !  

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

- દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

આ શુભ અને પાવક દિને સમગ્ર માતૃશક્તિને વંદના. 

Love you "મા", Happy Mother's Day!!

With Love 💕
Inspiration With Ankit

No comments:

Post a Comment